કેમ છો મિત્રો, આજે ૧ લી જાન્યુઆરી એટલે કે આજે સુપર-૩૦ ના સંસ્થાપક આનંદ કુમારનો આજે જન્મદિવસ. આનંદ કુમાર એ એક પ્રસિદ્ધ ભારતીય ગણિતશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગણિત સામયિકો માટે લેખો લખે છે. તેઓ તેમના કાર્યક્રમ સુપર-૩૦ ના કારણે પ્રસિદ્ધ થયા હતા. જેના કારણે હાલમાં તેઓ સમગ્ર ભારતમાં જ નહીં પણ પૂરા વિશ્વમાં પ્રસિદ્ધ થયા.
આનંદ કુમારનુ પ્રારંભિક જીવન:
આનંદ કુમાર જેમને તમે બધા કદાચ ઋતિક રોશનની ફિલ્મ સુપર-૩૦ આવી તેના પછી જ તમે તેમને જાણતા થયા હશો. આનંદ કુમારનો જન્મ ભારતના બિહાર રાજ્યના પટણામાં થયો હતો. તેમના પિતાજી એ ભારતીય પોસ્ટ વિભાગમાં ક્લાર્કનું કામ કરતાં હતા. તેઓએ પોતાનું શિક્ષણ એ હિન્દી સરકારી શાળામાં લીધું હતું. તેઓને ગણિત વિષય સાથે ઘણો લગાવ હતો. કોલેજમાં અભ્યાસ કરતાં કરતાં તેમણે સંખ્યા સિધ્ધાંત ઉપર કેટલાક પેપરો રજૂ કર્યા હતા જે મેથેમેટિકલ સ્પેક્ટ્રમ અને ધ મેથેમેટિકલ ગેજેટમાં પ્રસિદ્ધ થયા હતા.
આનંદ કુમારનું શરૂઆતનું જીવન:
આનંદ કુમારને પોતાની પ્રતિભાના કારણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવાનો અવસર મળ્યો હતો પણ પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતી સારી ન હોવાના કારણે તેઓ તેમાં અભ્યાસ કરી શક્યા નહોતા. આ વચ્ચે જ તેમના પિતાનું અવસાન થયું હતું અને તેમના પરિવારની પરિસ્થિતી વધારે કફોડી બની ગઈ હતી. આ સમયે પોતાનું ઘર ચલાવવા માટે તેમની માતા ઘરે પાપડ બનાવતા અને આનંદ કુમાર અને તેમના ભાઈ સાઇકલ ઉપર લોકોના ઘરે ઘરે જઈને તે વેચતા. પોતાની અન્ય આવક માટે તેઓ લોકોને ગણિત વિષયનું ટ્યુશન આપતા અને તેમાથી પોતાનો ખર્ચ નીકાળતા. તે સમયે વિદેશના પુસ્તકો પટણાની લાઇબ્રેરીમાં ઉપલબ્ધ નહોતા તો તેઑ શનિવારે અને રવિવારે બનારસ જઈને તે પુસ્તકોનું અધ્યયન કરતાં.
આનંદ કુમાર અને સુપર-30:
વર્ષ ૧૯૯૨માં આનંદ કુમારે ગણિત વિષયને પોતાના વ્યવસાય તરીકે પસંદ કર્યો. તેમણે તે સમયે તેમણે એક ભડાનું ઘર લીધું અને તેમાં પોતાના ટ્યુશન ક્લાસીસ રામાનુજ સ્કૂલ ઓફ મેથેમેટીક્સની શરૂઆત કરી. શરૂઆતના દિવસમાં ફક્ત બે વિધાર્થી ટ્યુશન માટે આવતા પણ સમય જતાં તેની સંખ્યા ૩૬ આસપાસ થઈ ચૂકી હતી. આ ટ્યુશન ક્લાસ શરૂ કર્યાના બીજા વર્ષે વિધાર્થીઓની સંખ્યા ૫૦૦ થઈ હતી અને તેના પછી વર્ષ ૨૦૦૦માં એક ગરીબ વિધાર્થી તેમની પાસે ટ્યુશન લેવા આવ્યો, પરંતુ તેની પાસે ટ્યુશન માટેના પૈસા નહોતા. આનંદ કુમારે તે વિધાર્થીને ભણાવ્યો અને તે આઈઆઈટીમાં સિલેક્ટ થઈ ગયો હતો અને ત્યારબાદ તેમણે સુપર ૩૦ ની શરૂઆત કરી હતી જેમાં તેઓ ફ્રી કોચિંગ આઈઆઈટીની તૈયારી માટે આપતાં. વર્ષ ૨૦૦૩ થી લઈને ૨૦૧૭ સુધીમાં ૪૫૦ વિધાર્થીઓમાથી ૩૯૧ વિધાર્થીઓ આઈઆઈટી માટે પસંદગી પામ્યા છે.
દુનિયામાં પોતાની એક નવી ઓળખ:
માર્ચ ૨૦૦૯માં ડિસ્કવરી ચેનલ દ્વારા સુપર ૩૦ ઉપર ૩ કલાકનો એક લાંબો કાર્યક્રમ બતાવવામાં આવ્યો હતો. એજ વર્ષમાં અમેરિકી સમાચારપત્ર 'ધ ન્યુયોર્ક ટાઈમ્સ' એ પોતાના એક પેજ ઉપર તેમના વિશે એક લેખ છાપ્યો હતો. અભિનેત્રી અને પૂર્વ મિસ જાપાન જ્યારે ભારત આવ્યા હતા ત્યારે તેમણે તેમના ઉપર એક લઘુ ફિલ્મ પણ બનાવી હતી. તેઓ આર્થિક રીતે નબળા બાળકોને ફ્રીમાં ટ્યુશન આપવાના કારણે તેમનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. વર્ષ ૨૦૧૦માં તેમને બિહાર રાજ્યનો સર્વોચ્ચ એવોર્ડ "મૌલાના અબુલ કલામ આઝાદ" પ્રાપ્ત થયેલ છે. આપણાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ દ્વારા પણ તેમને "રાષ્ટ્રીય બાળ ક્લ્યાણ પુરસ્કાર" પ્રાપ્ત થયેલ છે. ટાઇમ મેગેઝિન બેસ્ટ ઓફ એશિયા ૨૦૧૦ ની યાદીમાં સુપર ૩૦ ને સ્થાન પ્રાપ્ત થયેલ છે.

