આજના દિવસે મતદારોને જાગૃત કરવામાં આવે છે કે દેશની પ્રગતિ માટે તેમનો મત કેટલો જરૂરી હોય છે. મતદાતા દિવસની ઉજવણીનો હેતુ લાયક મતદારોને ઓળખવાનો અને તેમને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસ લોકશાહી દેશના નાગરિકોને તેમની ફરજની યાદ અપાવવા માટે ઉજવવામાં આવે છે.
મતદાર દિવસ પર દેશભરના તમામ મતદાન મથક વિસ્તારોમાં લાયક મતદારોની ઓળખ કરવામાં આવે છે. લાયક મતદારોમાં એવા યુવાનોનો સમાવેશ થાય છે જેમની ઉંમર ૧૮ વર્ષની છે. આ મતદારોના નામ મતદાર યાદીમાં નોંધાયા બાદ તેમને ચૂંટણી ફોટો ઓળખ પત્ર આપવામાં આવે છે. દર વર્ષે મતદાર દિવસના દિવસે મતદારોને મતદાન કરવાના શપથ પણ લેવડાવવામાં આવે છે જેથી તેઓ એક નાગરિક તરીકે લોકશાહીના રક્ષણ માટે જાગૃત રહે.
ભારતના બંધારણ મુજબ, જે ભારતના નાગરિક છે અને જેમની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ છે તેવા લોકોને કોઈપણ ભેદભાવ વિના અથવા નાગરિકતા કાયદા હેઠળ મતદાનનો અધિકાર આપવામાં આવે છે. ભારતીય પાસપોર્ટ ધરાવનાર NRI ને પણ મત આપવાનો અધિકાર છે. ૧૮ વર્ષની ઉંમરે વ્યક્તિને મત આપવાનો અધિકાર મળે છે. આ પછી તે તમામ પ્રકારની લોકતાંત્રિક ચૂંટણીઓમાં મતદાન કરી શકે છે. દર વર્ષે તમામ મતદાન મથકોના વિસ્તારોમાં, ૧ જાન્યુઆરીના રોજ ૧૮ વર્ષની ઉંમરના તમામ પાત્ર મતદારોની ઓળખ કરવામાં આવે છે. વિશ્વમાં આપણી લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદારોની સાથે ભારતનું ચૂંટણી પંચની પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
